હું ફૂટપાથ પર રહું છું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતી કાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાન કરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે તે ખબર પડતી નથી. પણ જે હોય તે હું તેમને બહુ ધ્યાન પર લેતો નથી. પણ ક્યારેક વધાર પડતું થાય તો પછી મારો પિત્તો કાબુમાં નથી રહેતો અને એવા પાગલ લોકો કે જે મને હેરાન કરે તેમની પાછળ હું પથ્થર લઇને દોડુ છું… છતાં કાળજી રાખું છું કે તેમને વાગી ન જાય પણ તેઓ સામે પથ્થર મારે ત્યારે એવી કાળજી રાખતા નથી અને મને ક્યાંરેક વાગી જાય છે. કુતરા પણ મને જોઇ ફસવા માંડે છે… મને ખબર જ નથી પડતી કે આવુ કેમ? હું તો મારા વધેલો ખોરાક પણ કુતરાને ખવડાવી દઉં છું છતાં તેઓ મને ભસે છે… કદાચ દુનિયામાં ફરતા ગાંડા માણસોની અસર આવી હશે. આ શહેરમાં મારા જેવા સજ્જન માણસો ખૂબ ઓછા જોવા મળે છે… હું ગાંડાઓની વચ્ચે રહું છું. આ ગાંડાઓને ગાડીઓ લઇને ફરતા જોઉં, પૈસા પાછળ દોડતા જોઉ, ટીપટોપ કપડા પહેરીને ફરતા જોઉ ત્યારે ક્યારેક મારામાં રહેલો સજ્જન માણસ ગાંડો બનવા તલસતો હોય છે.. પણ હું મારા મનને વાળી લઉં છું. ભાઇ આ હજારો ગાંડા ઓછા છે કે તું વધુ એક ઉમેરો કરવા જઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે મારે એક જોડ કપડા હોય તો બે-ત્રણ વર્ષ ચાલી જાય છે અને આ ગાંડા લોકો દરોરજ નાહી ધોઇ નવા કપડા પહેરીને ફરતા કે હશે?… હું જ્યા રહુ છું ત્યાં તે ફૂટપાથ ઉપર ગમે તે આવીને રહે તો મને આનંદ થાય છે ઘણી વખતતો કુતરા મારી પાસે જ સૂઇ જાય છે અરે તમે એની ક્યા વાત કરો છો ક્યારેક તો હું અને કુતરા એક સાથે જમી પણ લઇએ છીએ જ્યારે આ ગાંડા લોકોના ઘરની આજુબાજુ પણ હું જાઉં તો મને દૂર ભગાડી દે છે… હા ક્યારેક એમાના કોઇક મને ટકડો રોટલો કે ભરપેટ ખાવાનું આપે છે ત્યારે થાય છે કે આ ગાંડા વચ્ચે પણ મારી જેવા કોઇક સજન્ન માણસ રહેતા હશે… હુ રસ્તા વચ્ચે ચાલ્યો જતો હોય અને મને કાગળના ટુકડા કે કચરો દેખાય તો વીણીને મારા થેલામાં નાખી દઉ છું… અને આ ગાંડા માણસો પોતાનું ઘર ચોકક્સ ચોખ્યુ રાખે છે પણ ઘરનો કચરો મારા જેવા સજ્જન માણસને વિણવા રસ્તા પણ ફેકીં દે છે. હશે મારે થોડું તેમના જેવું ગાંડા થવાય. બસ હવે વધારે નથી લખતો પણ એટલુ ચોક્કસ કહીશ કે ગજબ તો ત્યારે થાય છે આ ગાંડા લોકો હું નિકળું ત્યારે એ ગાંડો આવ્યો એ ગાંડો આવ્યોની બૂમો પાડે છે…. પાગલ સાલાઓ… (સોરી…મારે તેમને પાગલ ન કહેવા જોઇએ કારણ કે નહીં તો મારામાં અને એમનામાં ફર્ક શું રહેશે?)
Deepak Solanki
23-10-13