અમે અદાવાદમાં થોડા સમય પહેલા ફ્લેટ જોવા ગયા.
ફ્લેટના પાયા ખોદાય રહ્યા હતા. બાજુમાં સરસ મજાની ઓફિસ બનાવેલ હતી. જેમા સેમ્પલ ફ્લેટ વગેરે રાખેલા હતા. હુ મારા પત્ની તથા 14 વર્ષનો મારો છોકરો અને બીજો 7 વર્ષનો છોકરો….. સેમ્પલ ફ્લેટ જોઇ રહ્યા હતા.
“બહુ મસ્ત ફ્લેટ છે પપ્પા” મારા મોટા છોકરા અહીને કહ્યુ.
“હા બેટા” મેં કહ્યુ.
“પપ્પા લઇ લો ને!”…
આમ વાતચીત ચાલતી હતી એટલામાં જ બિલ્ડર આવ્યો..
“બોલો સાહેબ, શુ વિચારો છો. સરસ ફ્લેટ છે. અહીં આવો તમને બધુ
સમજાવુ” કહી બિલ્ડરે ખૂરશી તરફ ઇશારો કરી બેસવા કહ્યુ.
“સાહેબ માટે પાણી અને આઇસ્ક્રીમ લાવો” બકરાને કાપવા માટેની તૈયારી કરતા હોય તેવા ભાવ સાથે બિલ્ડરે પટ્ટાવાળાને સુચના આપી.
પેપ્લેટ કાઢીને સ્કિમ સમજાવવાનુ ચાલુ કર્યુ. ટેબલ પર પાણી અને આઇસ્ક્રીમની વ્યવસ્થા થઇ ગઇ.
“સર, ખોટુ ન લગાડતા પણ આમતો તમે સવર્ણ જ લાગો છો પણ છતાં આપ કેવા છો?” આઇસ્ક્રિમની ડીશ હાથમાં લઇએ તે પહેલા જ બિલ્ડરે પુછ્યુ.
હુ આખી બાબત સમજી ગયો…. એટલે મેં સીધો જ જવાબ આપ્યો, “એસ. સી.”
ટેબલમાંથી કરંટ આવ્યો હોય તેમ બિલ્ડર બોલ્યો, “સાહેબ, પાણી પીવો, આઇસ્ક્રીમ ખાવો, આમે તો આવા ભેદભાવમાં માનતા જ નથી પણ સાહેબ અમે નક્કી કર્યુ છે કે એસ.સી., એસ.ટી., મુસ્લિમ, ભરવાડ જેવી જ્ઞાતિઓને અમે મકાન એલોટ નથી કરવાના! સોરી”
પીગળતા આઇસ્ક્રીમની ડીશ એમને એમ મુકીને અને મારા નાના બાબાએ એક ચમચી જ મોઢામાં મુકેલી આઇસ્ક્રીમની ડીશ મેં પાછી મુકાવતા કહ્યુ. “સાહેબ આ રહ્યો તમારે આઇસ્ક્રીમ, અમારે નથી ખાવો. તમે અભડાઇ જાવ એવુ પાપ અમારે નથી કરવુ.”
અને જાણે કે મારા શરીર એક દમ પીગળી ગયુ… પીગળતા આઇસ્ક્રીમની જેમ… અને અમે તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા….
મારા મોટા બાબો કે જાણે ક્યારેય આવી વાતોનો અનુભવ કર્ય જ નહોતો તે મારી સામે તાકી રહ્યો… મારી આંખના ખૂણા ભીના થયેલા જોઇ તે કાંઇ બોલી ન શક્યો પણ તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહેલા હુ જોઇ શક્યો….
“કેવા છો?” પ્રશ્ન મારા મગજને ચકરાવે ચડાવી ગયો.
“પપ્પા આ લોકોએ આપણને ફ્લેટ આપવાની ના પાડી?” અહીને મારી આંખના ઝળઝળીયા જોઇને પુછ્યુ.
“હા, બેટા” –
“પણ કેમ પાપા?”
“પછી વાત હુ તને આખી વાત સમજાવીશ” એમ કહીને મેં વાત ટાળી દીધી…
મારુ મન ગાડી ચલાવતા ચલાવતા 80-85 ના દાયકામાં પહોચી ગયુ. – અમદાવાદ જીલ્લાનો ધંધુકા તાલુકો અને એમા આવેલુ ધોલેરાની બાજુનુ નાનકડુ ગામડુ એટલે અમારુ પ્યારુ વતન ઓતારિયા.
80 ના દાયકમાં મેં સ્કૂલે જવાનુ ચાલુ કર્યુ. હું નાનો હતો શાળામાં ઢેઢ શબ્દ સાંભળ્યો પણ તેનો અર્થ ખબર નહોતી. કારણકે હુ ગાંધી વિચારને વરેલી સંસ્થામાં રહેતો હતો અહીં કોઇ જાતના ભેદભાવનો ક્યારેય અનુભવ થયો નહતો. અમો બધા જ મિત્રો સાથે રમતા, જમતા અમારા મિત્રમાંથી કોઇનો પણ જન્મદિવસ હોય તો કોઇપણ ભેદભાવ વગર મને પણ બધાની જેટલુ જ સન્માન સાથે બેસીને બધા જ સવર્ણ મિત્રો સાથે બેસીને જમતા. મારા પપ્પાને કાયમ તેમને સાહેબે ડાબા જમણા હાથ જેટલુ મહત્વ આપેલુ. અમો દરેક મિત્ર વચ્ચે એટલી બધી છુટ હતી કે અમો ગમે ત્યારે એકબીજાના ઘરે જઇને વિના સંકોચે પાણી પી શકતા હતો. અને એથી જ આ શબ્દ વિશે ક્યારેય સાંભળ્યુ નહોતુ.
ઘરે આવીને મમ્મીને બધી વાત કરી અને પુછ્યુ કે, “મમ્મી આ “ઢેઢ” એટલે શું?”
એ વખતે મમ્મીએ સમજાવ્યુ કે આપણી પછાત છીએ આપણે આ સવર્ણ લોકોને અડીએ કે તેમની વસ્તુ વાપરીએ તો તેઓ અભઢાઇ જાય. ….. અને આ અભઢાઇ જવાના પ્રસંગોનો અનુભવ તો 80-90ના દાયકામાં થતા રહેતા પણ અમારુ ગામ ઓતારિયામાં જ ગાંધી વિચારોને વરેલી સંસ્થા આવેલી હોય અહી આભડસેટનુ પ્રમાણ ઓછુ હતુ. જે કાઁઇ હતુ તે બુઝુર્ગ લોકોમાં જ હતુ.
ગામમાં આવેલુ હુનમાનજીનું મંદિર, તેની બાજુમાં સરસ મજાના ખીજડાનુ ઝાડ રીસેસમાં શાળાના વિદ્યાર્થીઓ આ ખીજડે રમવા જતા એક દીવસ હુ પણ પહોચી ગયો. તરત જ ત્યાના પુજારીએ કહ્યુ કે નાનજીનો દીકરો છેને! તો બહાર જ રહેજે…. મંદિર અભડાઇ જશે.. તુ બહાર રમ.
ગામમાં એ વખતે કુવામાંથી પાણી ભરવા જવુ પડતુ. ગામમાં હરિજનનો કુવો અલગ હતો અમો અન્ય કુવામાંથી પાણી ભરી શકતા નહીં.
ગામમાં રામજીમંદિરનો ઓટો આવેલો બાળકો ત્યાં રમતા પણ અમે હરિજનના બાળકો ત્યા રમી શકતા નહીં.
ગામમાં કોઇનુ અવશાન થયુ હોય ત્યારે શાળાના બાળકોને તેઓ બારમાંનુ ભોજન કરાવતા. જેમાં હરીજનોને પોતાના ઘરેથી વાસણ લઇને આવવાનુ રહેતુ અને તેમની અલગ લાઇન રાખવામાં આવતી.
મધ્યાન ભોજનમાં હરીજન બાળકોની અલગ લાઇન રહેતી તેમજ તેમને હરીજન બાળકો જ પીરસતા.
કોઇ સવર્ણ મિત્રના ઘરે ક્યારેક રીસેસમાં પહોચી જતાં તો પાણી પીવા માટે મારે હાથ રાખવો પડતો મિત્ર તેના ગ્લાસમાંથી હાથમાં પાણી રેડતો અને મારા નાનકડા હાથનો ખોબો મોએ લગાડીને પાણી પીતો.
ત્યાર બાદ ધોરણ 8 થી 10નો અભ્યાસ મેં અમદાવાદમાં રહીને કર્યો અહીં આભડછેટ નહોતો એવુ મને લાગ્યુ હતુ. પણ થોડાક સમયમાં જ ખબર પડી ગઇ કે કાગડા બધે કાળા જ છે… મારી બેંચ પર હુ ન હોય ત્યારે મોટા અક્ષરે કોઇ ઢેઢા શબ્દ લખી નાખતુ… હુ ખુબ જ રડતો. ભગવાને મને હરિજન પરિવારમાં જન્મ કેમ આપ્યો? આ પ્રશ્ન મને સુવા ન દેતો… ધોરણ 1 – 12 સુધીમાં આવા તો અનેક અનુભવો થયા. કેટલીએ વખત છાના માના રડી લીધુ. કેટલીએ વખત હરિજન શબ્દ ગાંધીજીએ હરીના જન તરીકે આપ્યો હોવા છતાં હવે મને એવુ લાગવા માંડ્યુ કે ઢેઢ શબ્દ હટાવીને હરિજન શબ્દનુ લેટેસ્ટ લેબલ મારા શીરે આવી ગયુ હતુ. ગાંધીજીએ કરેલા પ્રયત્નો ગાંધી સંસ્થાની આસપાસના ગામોમાં જ અસર દેખાતી હતી હુ ઘણી વખત વિચારતો કે ગાંધીજીએ આટલા પ્રયત્નો કર્યા. પોતાના આશ્રમમાં ભંગીને સાથે રાખ્યા છતાં સંપૂર્ણ પણે આભડછેટ દૂર કરવાના તેમના પ્રયત્નોમાં ક્યાંક તો ખામી હતી કે શુ? કેમ આ દુષણ દુર ન થયુ….. હરીજન- ઢેઢ-આભડછેટ વગેરે શબ્દોનો જેને અનુભવ હશે તે અમારી પીડા સારી રીતે જાણી શકશે…. અને આવુ તો હજારો વર્ષથી આ સમાજ સહન કરતો આવ્યો છે અને હજુ હાલમાં પણ કરી જ રહ્યો છે. અને આ વાત ફક્ત દલીતો પરુતી જ લાગુ નથી પડતી અન્ય પછાત વર્ગ પણ આગળ આવે તે હાલમાં પણ અમુક વર્ગને નથી ગમતુ તેનો અનુભવ પણ ઓફિસમાં થતો રહેતો. હુ જાણે કે સ્વપ્નમાં હોય તેવુ લાગ્યુ.
“દીપક ઘર આવી ગયુ, ક્યાં ખોવાઇ ગયા છો..? અરે તમારી આંખોમાં આંસુ છે? અરે રડો નહીં આપણે બીજા કોઇ ફ્લેટની તપાસ કરીશુ. ગાડી બંધ કરો અને ઉતરો હવે.” મારી પત્નીએ મને ભુતકાળમાંથી બહાર કાઢતા કહ્યુ.
હું ઝબકી ગયો યંત્રવંત ગાડી ચલાવીને ક્યારે ઘરે પહોંચી ગયો તે પણ ખ્યાલ ન રહ્યો.
ઘરે આવ્યા બાદ બેડરુમમાં જઇને રડ્યો. આંશુ એક પણ નહોતુ પણ દીલ આંશુઓથી તરબળ હતુ…. વિચાર્યુ કે અમદાવાદ જેવા શહેરમાં આ સ્થિતિ છે તો ગામડાઓમાં શુ પરિસ્થિતિ હશે બીજુ કે ગુજરાત જેવા રાજ્યમાં આવુ છે તો પછાત રાજ્યોમાં શુ થતુ હશે.? જો કે આ બધા વચ્ચે આમ જોવા જાવ તો અમારુ વતન ઓતારિયા પ્રણાણમાં ઘણુ જ સારુ હતું. રણમાં મીઠી વિરડી સમાન હતુ. જેનુ મોટુ કારણ માજી શિક્ષણમંત્રી સ્વ. શ્રી નવલભાઇ શાહએ સ્થાપેલ ધોલેરા ભાલ સેવા સમિતિ સંચાલિત આશ્રમ જવાબદાર હતો. વર્ષોથી અમારો જન્મ આ આશ્રમમાં જ થયેલો સ્વ. જીવરાજભાઇ પટેલ આ સંસ્થાના સંચાલક હતા. મારા પપ્પા ધોરણ 9 પાસ કરીને આગળ ભણી શકે તેવી ઘરની પરિસ્થિતી ન હોવાથી આ સંસ્થામાં કામે લાગ્યા. અમો આજે જે કાંઇ છીએ તે નવલભાઇ શાહ અને જીવરાજદાદાના પ્રતાપે છીએ એમ કહુ તો કોઇ અતિશોક્તિ નહી કહેવાય. અહીં અમને ક્યારેય આભડછેટનો અહેસાસ થયો નથી કે “તમે કેવા છો?” સાંભળ્યો નહોતો. કણબી પટેલ, કોળી પટેલની મુખ્ય વસ્તી અમારા ગામમાં અને સંસ્થામાં હતી પરંતુ સંસ્થામાં તો ક્યારેય આ જાતનો અહેસાસ થયો જ નહોતો. અમે ગમે ત્યારે એકબીજાના ઘરે જઇ શકતા તેઓ પણ અમારા ઘરે આવતા સાંજે મોટાભાગે સાથે જ બેઠા હોય. ચા-પાણી અને જમવાનુ પણ સાથે જ થતુ હોય. શરદપુનમ હોય કે દિવાળી, કોઇનો જન્મદિવસ હોય કે લગ્નપ્રસંગ ક્યારેય કોઇ જાતનો ભેદભાવ જોવા જ નહોતો મળ્યો.. એકબીજાની સાથે બેસીને એકબીજાની થાળીમાં અમો જમેલા અને હાલમાં પણ અમે એકબીજાના ઘરે જમવા સુધીના વ્યવહાર સચવાયેલા છે. એકદંરે એમ કહી શકાય કે મારા મનમાં હુ દલિત છું એવુ બીજ ક્યારેય નહોતુ રોપાયુ. અને કાદચ આ લંગોટીયા મિત્રોને ખબર પણ પડે કે હુ દલિત છું એવુ મેં વિચાર્યુ છે તો તેઓને ખુબ જ દુખ થાય. આ લંગોયટી મિત્રોનો તેમજ ઓતારિયા આશ્રમનો તો હુ જીંદગીભર ઋણી રહીશ. ગાંધીજી વિશે નેટ ઉપર અને સોસીયટલ મિડિયામાં રહેલા દલિત મિત્રો દ્વારા પુના કરાર વિશે સાંભળીને થોડી નફરત થઇ પણ પછીથી મારા લંગોટીયા મિત્ર હરેશે મારી આંખો ખોલી. કે મિત્ર તુ જે જગ્યાએ પહોચ્યો છે. તને અત્યાર સુધી દલિતનો અહેસાસ પણ ન થયો તેનુ કારણ ગાંધી વિચારોને વરેલી સંસ્થા જ જવાબદાર છે. અને હુ ભુતકાળમાં ખોવાઇ ગયો અને મારી જાતની મેં તપાસ કરી હુ ખોટો હતો ગાંધીજી વિશે કદાચ સાંભળેલી વાતો સાચી પણ હોય તો પણ ગાંધીજીએ કરેલા દલિતો માટેના પ્રયત્નને ભુલી ન જ શકાય. એ સમય પ્રમાણેના શ્રેષ્ઠ પ્રયત્નો કરેલા છે. પુના કરારના કારણે દલિતો તેમનાથી વિમુખ થયા છે એ હકિકત હોવા છતાં પુના કરારને બાદ કરીએ તો તેમણે કરેલા પ્રયત્નો સરાહણિય તો છે જ.
આ બધા વિચાર કરતા કરતા ક્યારે સુઇ ગયો તે ખ્યાલ ન રહ્યો. સ્વપ્નમાં ઓતારિયાનો પ્રવાસ કરીને આવી ગયો. હરિશ, પરેશ, જયેશ, પ્રતાપ, રાજેશ જેવા બાળપણના મિત્રોની સાથે કરેલા સમુહભોજન, રમતો, વેકેશનમાં કરેલા ધીંગામસ્તી બધુ જ માણ્યુ…. સ્વપ્ન જોઉ છું કે ભુતકાળની યાદોમાં ખોવાયેલો છું તે ખબર ન પડી…
ક્યારે ઉંઘ આવી તે ખબર નડી. જાણે કે કેટલાય દિવસનો થાક હોય અને સુઇ ગયા હોય તેવી ઉંઘ આવી. સવારના 8 વાગ્યે મારા વાઇફે મને જગાડ્યો.
“કેમ આટલુ બધુ સુતા આજે, આઠ વાગી ગયા તો પણ તમે ઉઠ્યા નહીં”
“મેં આંખો ચોળતા ઉભા થઇ બ્રસ કરીને ફ્રેશ થવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો.”
“તમે કેવા છો?” પ્રશ્ન મનમાં ઘુમરાતો રહ્યો.
સમય વિતતો ગયો. સમય એ સર્વે દુખોનુ સમાધાન છે.
થોડા દિવસ પછી મારે એક અમારા સગાના લગ્નમાં જવાનુ થયુ.
લગ્ન પ્રસંગમાં ઢોલી ઢોલ વગાડી રહ્યો હતો.
ચા-પાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો.
“અલ્યા ચમન આ ઢોલીને ચા આપી?” કોઇક વડીલે બુમ પાડી.
“એ લાવ્યો બાપા.” એમ કરીને એક જુવાન ચાની કિટલી લઇને આવ્યો.
“અલ્યા તારી રકાબી લાવ્યો છે?” જુવાને ઢોલીને પુચ્છુ.
“અલ્યા થેલીમાંથી રકાબી કાઢ” ઢોલીએ તેના સાથી ઢોલીને કહ્યુ.
હુ આ બધુ જોઇ રહ્યો હતો. હું સમજી ગયો. “તમે કેવા છો?” પ્રશ્ન ફરી મારી સામે આવી ગયો. પણ અહી ગામડાની પ્રજાતો આ બધાથી ટેવાઇ ગઇ હોય છે. મેં તરત જ પેલા જુવાનને કહ્યુ.
“અલ્યા તે બધાને રકાબીમાં ચા આપી અને આને કેમ તે રકાબી ના આપી?”
“ભાઇ તમે એને નથી ઓળખતા? એ ભંગી છે. આપણે તેને આપણી રકાબીમાં ચા આપીએ તો આપણે અભડાઇ જઇએ. એટલે એને ચા માટે રકાબી નથી આપી. તમે શહેરમાં રો’ એટલે તમને આવુ બધુ ખબર ન પડે.” જુવાને મને સમજાવતા કહ્યુ.
હમ હવે વાત આખી સમજાઇ ગઇ. એટલે ફ્લેટ લેવા ગયા ત્યારે “તમે કેવા છો?” પ્રશ્ન પુછવાનો વારો બિલ્ડરનો હતો અહીં હવે એ વારો અમારા સમાજનો હતો. હવે અભડાવવાનો વારો અમારો હતો.. હુ સમસમી રહ્યો. મને જેટલુ દુખ થયુ હતુ એટલુ જ દુખ આ ઢોલીને અત્યારે થતુ હોવુ જોઇએ.. મને લાગ્યુ કે હમણા એ ચા પડતી મુકીને ઉભો થઇ ભાગી જશે. પણ એણે એવુ કાંઇ જ ન કર્યુ એણે પોતાની રકાબી કાઢીને તેમા ચા લઇને પીવા લાગ્યો.અહીં બધાને આ વાત કોઠે પડી ગઇ હતી. આભડછેટ એ વર્ષોથી ચાલ્યો આવતો કુરિવાજ છે. અને એ હવે લોકોના જીવનમાં વણાઇ ગયો હતો.સવર્ણો વણકર અને તેની નીચેની જાતીથી અભડાઇ જાય. વણકર તેની નીચેની જાતી ચમાર અને તેનાથી નીચી જાતીથી અભડાઇ જાય. જ્યારે ચમાર પાછા ભંગીથી અભડાઇ જાય…. આ પ્રક્રિયા ચાલતી રહે. મને થયુ કે જો અમારી જાતિમાં હજુ અભડાવાની પ્રથાને અને જાકારો ન આપી શક્યા હોય તો પછી સવર્ણો સામે વિરોધ કરવાનો અમને કોઇ જ અધિકાર નથી. આતો બેવડી રમત ચાલી રહી છે. અને રાજકારણિઓ પોતાના ફાયદા માટે અંદરો અંદર નફરતનુ ઝેર ફેલાવતા રહે છે. દલિતો અંદરો અંદર આભડછેટ રાખે અને સવર્ણો પાસે એવી આશા રાખે કે તેઓ આભડછેટને દુર કરે. આ ઝેરને સમાજમાંથી દુર કરવુ ખુબ જ અઘરુ છે. શરુઆત નાના અને નીચેની જાતીથી થવી જોઇએ… ગાંધીજીએ પુનાકરારનો અસ્વિકાર કર્યો તેની અવેજમાં આવેલુ અનામત હવે ધીમે ધીમે સમાજમાં ઝેર ફેલાવી રહ્યુ છે. કાશ ગાંધીજીએ પુના કરારનો સ્વિકાર કહ્યો હોત તો અનામતનુ ભુત બધાને પરેશાન ન કરતુ હોત.
જોકે હવે સમય બદલાયો છે. સમાજમાં જાગૃતિ આવતી જાય છે. ફરી કોઇ ગાંધી પેદા થાય અને દિલથી ઇચ્છે તો એક જોરથી ધક્કો મારે તો આભડછેટ સમાજમાંથી દુર થઇ જાય તેમ છે. પણ હુજ ગાંધીની રાહ જોવાતી હોય તેમ નાના મોટા પ્રસંગો બનતા રહે છે. અનામત આમાં મુખ્ય ભાગ ભજવી રહ્યુ છે. એવામાં હાર્દિક પટેલ દ્વારા અનામત અંગેનુ આંદોલન થયુ. વચ્ચે ઉના કાંડ પણ બની ગયો. આ વાતાવરણમાં અનમાત શબ્દ મારા મોટા છોકરા અહીનમના મગજમાં બેસી ગયો. આ દરમ્યાન મુખ્ય મંત્રી આવાશ યોજના અંતર્ગત ફ્લેટની જાહેરાત થઇ મેં ફોર્મ ભર્યુ. થોડા સમય પછી ડ્રો થયો. ડ્રોમાં મારુ નામે ફ્લેટ લાગ્યો હતો.12 લાખમાં ફ્લેટ મળી ગયો. અને અમે તેમા શિફ્ટ થઇ ગયો. અહીં એવુ વાતાવરણ મળ્યુ કે અમો રાજી રાજી થઇ ગયા. અહીં બધી જાતિના લોકોને ફ્લેટ લાગ્યા હતા. કોઇ પણ ભેદભાવ વગર. મારુ ફ્લેટ લેવાનુ સ્વપ્ન પુરુ થયુ. ઘરનુ ઘર અમદાવાદમાં મળી ગયુ. પણ આ ફ્લેટ વળી પાછો અનામત ક્વોટામાં જ લાગ્યો હતો. એટલે એક દિવસ મારા મોટા છોકરા અહીને પુછ્યુ,
“પપ્પા આ અનામત શુ છે્? આપણને અનામતમાં ફ્લેટ લાગ્યો એટલે શુ? અનામત ન હોત તો આપણને ફ્લેટ ના મળત?”
મેં અનામતની આખી પ્રક્રિયા સમજાવી આપણે સિડ્યુલ કાસ્ટ એટલે કે SC કેટેગરીમાં આવીએ આપણને 7 ટકા અનામત મળે ST આપણા કરતાપણ પછાત હોય છે તેમને 14 ટકા અનામત મળે અને OBC ને 27 ટકા અનામત પળે છે બાકીની જગ્યાઓ જનરલ કેટેગરીમાં આવે છે. મારી સમજ પ્રમાણે મે એને ક્વોટા સમજાવ્યો. અહીન મારી સામે ટગર ટગર જોઇ રહ્યો. મેં કહ્યુ બેટા જો જીવનમાં આગળ વધવુ હોય હરિફાઇ કરવી હોય તો આપણે અનામત મળ્યુ છે એ વાત મગજમાંથી કાઢી નાખ. તારે હવે સ્પર્ધા કરવી જ હોય તો સારા માર્ક લાવીને કર… કોઇ આપણને એમ ન કહી જાય કે તુ અનામતના લીધી આગળ આવ્યો છે. આપણે અનામત વગર પણ મહેનત કરીને આગળ આવી શકીએ છીએ. તને પણ એક જનરલ કેટેકરીના બાળક જેટલી જ સગવડ મળી રહી છે. દિવાન બલ્લુભાઇ જેવી અમદાવાદની બેસ્ટ સ્કૂલ મળી છે. જરુર પડે તો ટ્યુશન પણ કરાવીશુ. પણ મહેનત એટલી કર કે તુ અનામતના જોરે નહી પણ ટકાવારીના જોરે આગળ આવે… અનામત એમના માટે રહેવા દે કે જે લોકોને પુરતી સગવડ નથી મળી અને તેઓ ટકાવારી નથી લાવી શકતા.મારો અહીન આ બધુ સાંભળી રહ્યો હતો.મહેનત કરતોહતો પણ મને એની મહેનતમાં વિશ્વાસ નહોતો આવ્તો. પણ હાલ નવમાં ધોરણાં હોઇ મે વિચાર્યુ કે એને દસમાં ધોરણથી વધુ મહેનત કરાવીશ.
નવમાં ધોરણનુ રીઝલ્ટ આવ્યુ નવમાં ધોરણના તેના ક્લાસમાં 10 નંબરે આવ્યો. મને આનંદ થયો કે વગર ટ્યુશને એ 10મો નંબર લાવી શક્યો. હાલ દશમાં ધોરણમાં આવ્યો છે અને મારી તેને એક જ શિકામણ છે કે બેટા અનામત કાલ સવારે ન હોય તો પણ તુ મેરિટના જોરે આગળ આવી શકે એટલી મહેનત કર… એ મારી વાત સમજી ગયો છે. અનામત વગર જ આગળ વધવાનો નિર્ણય જાણે કરી લીધો હોય તેમ મહેનત કરી રહ્યો છે.
હું મારા સમાજને પણ જણાવવા માંગુ છું જે કોઇને પણ ભણવાની સગવડ મળી શકતી હોય તેઓ અનામતના જોરે નહી પણ કાબેલિયત કેળવીને આગળ આવો. અનામતનો લાભ ખરેખર જેને જરુર છે તેને લેવા દો. કાલ સવારે કોઇ તમારા પર જોક્સ ન બનાવે કે અનામત વાળો ડોક્ટર આવ્યો. કાબેલિયત એટલી કેળવો કે તમે તમારા સમાજ અને દેશબંધુઓને મદદ કરી શકો. “તમે કેવા છો?” શબ્દ સાંભળવો ન હોય તો “તમે કેવા છો?” પુછવાનુ પણ બંધ કરો… એકબીજાને મદદ કરો. તમારી આસપાસ કોઇ હોશિયાર છોકરો હોય અને ભણવાની સગવડ ન હોય તો મદદ કરો. હા પાછા જાતી ન જોતા…. “તમે કેવા છો?” શબ્દ જનમાનસમાંથી નિકળી જ જાય તેવો પ્રયત્ન કરો. એવુ જીવન જીવો કે તમે એવો કોઇને પ્રશ્ન ન કરો કે ન તમને કોઇ પ્રશ્ન કરે કે “તમે કેવા છો?”
અસ્તુ…
—- દીપક સોલંકી “અવિચારી” (11-05-18)